પ્રમુખ તમે છો પ્રેમાતીત

પ્રમુખ તમે છો પ્રેમાતીત

 

બી.એ.પી.એસ.ના આ શતાબ્દી વર્ષના ઉપક્રમે તેમજ ચીનો હિલ્સ હિન્દુ મંદિરના શુભારંભે, મન દિલમાં પણ મંદિર બનાવવાના પ્રયાસરૂપે, આ “ગીતાંજલિ”રૂપી ગુણાતીત ને હરિના ગીતોની માળા ગૂંથીને ગુણાતીત ગુરુહરિની ભગવી ઝોળીમાં ધરવા નિર્ધારિત ‘દિલ’  આજે ગુરુપૂર્ણિમાના ગૌરવવંતા દિવસે અડધી ગૂંથાયેલી આ ગીતમાળાનો ચોપનમો ગીતરૂપી મણકો ગુરુદક્ષિણામાં આપવા આતુર છે ત્યારે મીઠી મૂંઝવણ અનુભવે છે. ગુરુહરિના ગુણલા કેવી રીતે ગાવા? એ તો ગુણાતીત છે. ગુરુવર અક્ષરનો પ્રેમ કયા શબ્દોમાં પ્રગટાવવો? એ તો પ્રેમાતીત છે. જે સ્વયમ્ ગુરુપ્રેમના ગીત ગૂંજીને શિષ્યગણમાં સહજાનંદી સત્સંગનું સંગીત રેલાવે છે એવા યુગવિભૂતિ સંત શિરોમણી પ્રમુખ સ્વામી મહારાજના ચરણકમળમાં સાદર વંદન સહ..

ઘટ શું ગાયે તવ ગીત, ગુરુહરિ તમે તો ગુણાતીત
શબ્દે શું પ્રગટે તવ પ્રીત, પ્રમુખ તમે છો પ્રેમાતીત

ગુરુપ્રેમ તવ ગુંજે થૈ ગીત
કૂંજે  જ્યમ  કોકિલ  રંજિત
ગુરુપ્રેમના ગુંજીને તું ગીત ભરે ઘટ સત્સંગ સંગીત

વર્તન તુજ વદે સુભાષિત
થાયે ભક્તજન ભવાતીત
વર્તમાનના વદી  સુભાષિત કરે તું સૃષ્ટિ સુવાસિત

જીવન તુજ વીતે પરહિત
વિચરે ખરે ગીતા જીવિત
ચંદનવત્ ઘસાઈ પરહિત  ભરે તું  અત્તર અમરિત

કવન તુજ રે પ્રભુ પ્રેરિત
સ્પંદે વ્હાલવીણા ઝંક્રિત
ગૌરવે ગજવી ગુણાતીત પડઘાવે પરમ પ્રેમાતીત  

દિલ જે ભવથી પરાજિત
લભી પ્રમુખપ્રેમ પુલકિત
મંદિરે મઢી રે મન દિલ ભરે તું અક્ષરઅમી અમીત

ઘટ શું ગાયે તવ ગીત, ગુરુહરિ તમે તો ગુણાતીત
શબ્દે શું પ્રગટે તવ પ્રીત, પ્રમુખ તમે છો પ્રેમાતીત  

Advertisements
Published in: on જુલાઇ 29, 2007 at 7:27 એ એમ (am)  ટિપ્પણી આપો  

ગુણાતીત સંત

ગુણાતીત સંત

 

ગુણાતીત ગુરુહરિ મોહમાયાના મિરાજથી ભરેલી અમેરિકાની મરુભૂમિમાં કૃપાના કાંપને ગુલાલની જેમ વરસાવી વૈદિક વર્તમાન ને વર્તનની વસંત ખીલવવા પધાર્યા છે ત્યારે અંતરમાં અક્ષરના ગુલાબ ખીલ્યાંની ખુશીથી ‘દિલ’ ખુલે છે..      

ગુરુહરિ પધાર્યા  થઈ વસંત  અમ વેરાન જીવન મુકામ
બાપ્સ-બી વેર્યાં મરુભૂમિએ વળી કૃપાકાંપ કેરો ગુલાલ
વર્તમાનવાડ એવી રે ચણી કે વિષયી વા રહ્યાં વેગળા
ને પ્રમુખના પાવન પગલે દિલ પાંગર્યા અક્ષર ગુલાબ

હરિ અક્ષર લઈ ભમે રે  આ ભોમ ગુણાતીત સંત
સંસ્કાર રક્ષણ   કાજ કરે  યા હોમ ગુણાતીત સંત

પુષ્પો પ્રેમલ પાંગરે પ્રમુખ અક્ષર પુનીત પ્રસંગ
જીવન અમ ખીલવે બની વસંત ગુણાતીત સંત

રવિભાવે  વેરે કૃપા કિરણ  જન ભલે હો રાજ રંક
વર્તમાનભર્યું વર્તન ભરે અંગઅંગ ગુણાતીત સંત

સમબુધ્ધિ રહે  માનઅપમાન સરે  જેમ જલતરંગ
મન મયુર મેલે  મમત-પંખ સંગ  ગુણાતીત સંત

દેશ-વિદેશ વિચરે   સત્ સંતતાએ  કરે  જગ દંગ
ધૂએ વિષ વિષય રંગ બની ગંગ ગુણાતીત સંત

નવરાશ પ્રગટે પળોજણે  ભક્તિ ઠરે સેવા પ્રસંગ
મહારાજ મંદિર મન દિલમાં ભરે ગુણાતીત સંત

પ્રભુ પરિમલ પ્રસરે સંત સંગત સરે રાગ તરંગ
બ્રહ્મરૂપ કરે ભુલાવીને ભવ ભ્રમ ગુણાતીત સંત

Published in: on જૂન 17, 2007 at 3:29 એ એમ (am)  ટિપ્પણી આપો  

યુએસ આંગણ અક્ષર આગમને..

યુએસ આંગણ અક્ષર આગમને.. 

સુસ્વાગતમ્ ગુણાતીત ગુરુહરિ!  આજના પાવન દિવસે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એમની ભક્તિ સેવાભરી ભગવી સેના લઈ  સનાતની હિન્દુ સંસ્કૃતિના સંવર્ધન કાજે યુએસએની ભૂમિ પર શિકાગો મુકામે પધાર્યા છે. અમેરિકાની ભોગ ભોમમાં ગુરુવર અક્ષરના આગમનથી ને ગુણાતીત ગુરુહરિની ઘટમાં પધરામણીથી રાજીરેડ થયેલ ‘દિલ’  ભાન ભૂલીને જાણે નૈમિષારણ્ય ક્ષેત્રમાં ન હોય એવો અલૌકિક આનંદ અનુભવે છે.  અરે ભાવની ઊર્મિઓ ભરીને પુલકિત થયેલું હૈયું પણ ધબકારા લેવાનું ચૂકે છે ને દૈદીપ્યમાન દિવ્યતા માણીને મસ્તી અનુભવે છે. માયાવી મરુભૂમિમાં અક્ષરની આશીર્વર્ષાથી વનરાવન રચાય છે ને ભવના ભમરાંને પ્રમુખ પારિજાત મળતાં રાજી થૈ નાચી ઉઠે છે…

યુએસ આંગણ અક્ષર આગમને દિલ રાજી થૈ નાચતું
ભાવ ઊર્મિ  રે  ભરી ભૂલું  ધબકાર  ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

નૈન બડભાગી.. નૈન બડભાગી નીરખી ગુરુ આનંદાશ્રુ આંજતું
દૈદીપ્યવાન દિવ્યતા દ્રષ્ટિએ ભરી ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

પ્રગટ મૂર્તિ ખડી.. પ્રગટ મૂર્તિ ખડી ઘટ ભરી અમીરસે રાચતું
ચિત્ત હરજી ધારી  મહિમા માણી  ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

ચોપાસે બસ.. ચોપાસે બસ સંતો ભક્તો નૈમિષારણ્ય ભાસતું
મેઘધનુષી મનડું બનાવી ભગવું ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

પૂજા પાઠો.. પૂજા પાઠો કથા યજ્ઞો વૈદિક વાતાવરણ લાગતું
ભોગ માયા તજી યોગ કાય ચૂમી ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

આશીર્વર્ષા..આશીર્વર્ષા ભૌતિક મરુભૂમિએ વનરાવન વાવતું
ભવભ્રમર પ્રમુખ પારિજાત લભતાં ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

‘દિલ’ તનમન.. ‘દિલ’ તનમન રે હરજીને હરાજીએ આપતું
મન દિલ મારાં બસ મંદિર બનતાં ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

યુએસ આંગણ અક્ષર આગમને દિલ રાજી થૈ નાચતું
ભાવ ઊર્મિ ભરી ભૂલું ધબકાર ભૂલું ભાન હું
.. ભાવ ઊર્મિ..

Published in: on જૂન 8, 2007 at 2:07 એ એમ (am)  ટિપ્પણી આપો  

કેમ રે ઓળખું ને કેમ રે ઓળખાવું ?

કેમ રે ઓળખું ને કેમ રે ઓળખાવું ? 


   
શ્રીજી મહારાજ શિક્ષાપત્રી (શ્લોક 121) માં મોક્ષાર્થે  “અક્ષરધામને વિષે બ્રહ્મરૂપે કરીને પરબ્રહ્મની સેવા કરવી એ અમે મુક્તિ માની છે”  એમ જણાવી બ્રહ્મરૂપ થવાની અનિવાર્યતા જણાવે છે.

શ્રુતિશાસ્ત્ર એવું મુંડકોપનિષદ્ (3-2-9) “બ્રહ્મને જાણે છે તે બ્રહ્મરૂપ થાય છે”  એમ જણાવે છે.

ગુણાતીતાનંદ સ્વામી સ્વામીની વાતો (3/12) માં “આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન કર્મ વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે”  એમ જણાવી માયાના આવરણ ટાળીને બ્રહ્મરૂપ થવા અક્ષરબ્રહ્મને ઓળખવાની ને એનો સંગ કરવાની અનિવાર્યતા જણાવે છે.

આ અક્ષરબ્રહ્મનો અપાર મહિમા વેદો, ઉપનિષદો, ભગવદ્ગીતા વગેરે શાસ્ત્રોમાં તેમજ શ્રીજીમહારાજે વેદરસ અને વચનામૃતમાં ઠેરઠેર કહ્યો છે. વચનામૃત (ગઢડા પ્રથમ પ્રકરણનું 63) માં શ્રીજી મહારાજ જણાવે છે: ‘ જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને તે પૃથ્વીનું કારણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે અને વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહત્તત્ત્વ, પ્રધાનપુરુષ, પ્રકૃતિપુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટાં છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે.. એ સર્વેનું કારણ અક્ષરબ્રહ્મ છે. અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે.’  આમ ઉત્તરોત્તર એક એક તત્વનો મહિમા સમજ્યા પછી અક્ષરનો મહિમા સમજાય અને અક્ષરનો મહિમા સમજાયા પછી જ અક્ષરથી પર એવા પુરુષોત્તમ નારાયણની તત્વે સહિત ઓળખાણ થાય. આ હેતુથી પ્રથમ અક્ષરબ્રહ્મની ઓળખાણ કરવી જરૂરી છે.

તેત્તિરીયોપનિષદ્ (2-1) પણ “બ્રહ્મને જાણે છે તે પરબ્રહ્મને પામે છે”  એમ જણાવે છે. આમ પરબ્રહ્મને પામવા માટે મોક્ષના દરવાજારૂપ એવા અક્ષરબ્રહ્મનો મહિમા અને તેનું સ્વરૂપ જાણવું જરૂરી છે.

તો આ પ્રગટ અક્ષરબ્રહ્મ એવા ગુણાતીત ગુરુહરિ  પ્રમુખ સ્વામી મહારાજને કેમ પરખવા ને કેમ પરખાવવા,  કેમ ઓળખવા ને કેમ બીજાંને ઓળખાવવા એની મીઠી મૂંજવણ અનુભવતું ‘દિલ’  એમને લૌલિક ઉપમાઓ આપી ચાંદ, સૂરજ, સાગર ને આભ સાથે સરખાવી ઓળખવા મથે છે.. પણ ગુરુવર અક્ષરને અંતરતમથી નીરખતાં એતો એ બધાંથી ઉત્તમ ને અનુપમ જણાય છે. તો આ રહી ‘દિલ’ની અક્ષરવર સ્વામીજીને સમજવાની ગડમથલ, ગુણાતીતની ગરિમા, અક્ષરની ઓળખ…

ગુરુવર અક્ષર તમને  કેમ રે ઓળખું ને  કેમ રે ઓળખાવું ?
ચમકંતો ચાંદ યા સોનલ સૂરજ  કે  સુખ સાગર યા આભ ?
    
ગુરુવર અક્ષર તમને કેમ રે કહું પૂર્ણમાસી પરલોકી ચાંદ!
આભનો ચાંદ છે બસ ધૂળનો આવાસ મહીં મસમોટો ડાઘ 
ચમકંતી ચાંદની તેજનો આભાસ તહીં  રોજ રોજ અમાસ
.. ગુરુવર અક્ષર..  
     
પ્રમુખ તમે ના બસ પરલોકી ચાંદ તમે તો ચમકનો પાણ 
અમ અંતરિયે હરિ ચાંદની રેલાવી કાઢો જીવતરના ડાઘ
ઘટ મંદિરિયે ઘનશ્યામ પધરાવી ટાળો ભવભવની પ્યાસ
.. ગુરુવર અક્ષર.. 
        
ગુરુવર અક્ષર તમને કેમ રે સરખાવું સોનલ સૂરજ સંગાથ!
આભનો અરુણ રે બહુરંગી બદલાતો  સવાર બપ્પોર સાંજ
નજરું માંડું કે  એ તો આંખ મીંચાવે ભરેલી  એમાં છે આગ
.. ગુરુવર અક્ષર..
         
પ્રમુખ તમે ના બસ સૂર્ય સંજીવની તમે તો પ્રભુદાયી પ્રકાશ
સ્થિતપ્રજ્ઞ તમે કૃપાકિરણ ફેલાવી કાઢો વિષ વિષયી રાગ
સેવા સત્સંગ કેરા છાંયડે બેસાડી  બાળો લખચોરાશી પાશ
.. ગુરુવર અક્ષર.. 

ગુરુવર અક્ષર તમને કેમ રે સરખાવું શુભ્રદર્શી સાગર સાથ!
કમળ ને કર્દમ સંઘરતો તહીં આવે ઓટ ભરતી દિન-રાત
માયા મઝધારે સુખના મૃગજળ વળી એમાં  ભરી ખારાશ 
.. ગુરુવર અક્ષર..
  
પ્રમુખ તમે ના બસ સુખસાગર તમે તો દીન-દર્દીની આશ
સહજાનંદી તમે પ્રભુબળ પૂર પ્રસારી ટાળો ભવરોગની રાશ
દિલ ભરિયો દયા દરિયો વિસ્તારી દો માવતર શી મિઠાશ
.. ગુરુવર અક્ષર.. 
      
ગુરુવર અક્ષર તમને કેમ રે કહું અનંત આસમાની આકાશ!
અતિવૃષ્ટિ ને દુકાળ આણે  વળી વરસાવે  વીજ  ચક્રાવાત
સૂરજ ચાંદ તારકથી એ શોભે ભર્યું  એમાં  અંધારું  અગાધ
.. ગુરુવર અક્ષર..
      
પ્રમુખ તમે ના બસ અમિત આભ તમે તો પરમાતમ આવાસ
સચ્ચિદાનંદી તમે અમ્રિત હેલી બની ધૂઓ પરભવના પાપ
મન દિલ અમ મંદિરથી મઢાવી આણો હરિ અક્ષર સાક્ષાત
.. ગુરુવર અક્ષર..  
   
ગુરુવર અક્ષર તમને  કેમ રે ઓળખું  ને કેમ રે ઓળખાવું ?
ચમકંતો ચાંદ યા સોનલ સૂરજ  કે   સુખ સાગર યા આભ ?

Published in: on મે 19, 2007 at 9:24 પી એમ(pm)  ટિપ્પણી આપો  

પ્રમુખમાં પ્રભુ લાધ્યો

પ્રમુખમાં પ્રભુ લાધ્યો

   

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીમાં પ્રભુને પામીને પુલકિત થયેલું ‘દિલ’ જોમથી ઝૂમી ઉઠે છે,  નેહ નીતારતાં એમના નયનોમાં નારાયણ નીરખી આમ નાચી ઉઠે છે..

લાધ્યો લાધ્યો પ્રમુખમાં પ્રભુ લાધ્યો
પ્રભુ પ્રમુખમાં કરતા કામ
એ તો શ્રીજીનું અક્ષરધામ.. લાધ્યો.. 

એના બોલમાં બંસીધર બોલે એના રે ગેલમાં ગિરધર
એના દેહમાં દયાનિધિ ડોલે  એના રે  નૈનમાં  હરિવર
અક્ષર હરતાફરતા હરકિશન.. લાધ્યો..

ગુરુ રે ચરણમાં ચતુર્ભુજ ચાલે ગુરુને શરણ સહજાનંદ
ગુરુ રે ઘટમાં ઘનશ્યામ મ્હાલે ગુરુને મનડે મહારાજ
ગુરુવર વદતા સ્વામિનારાયણ.. લાધ્યો..

કર જોડી નવ નમ્યાં તોયે એણે ઝાલ્યાં  હેતથી  હાથ
તપ ત્યાગ દાન વિના જ જાણે ટળ્યાં રે પાપ ને તાપ
સંતન્ રોમરોમ રહે સરયુદાસ.. લાધ્યો..

એ તો દ્રષ્ટિદાને કરતા રે બ્રહ્મરૂપ મરતા ગુણ સ્વભાવ
એ તો કૃપામૃતે ભરતા રે વીતરાગ મળતા ઘટ સદ્ભાવ
પ્રગટ એમાં કર્તાહર્તા ભગવાન.. લાધ્યો..

ચોરાશી ભવનો ભાર ઉતારજો તજાવી રે અરિ અહંકાર
તમે છો જીવનનો સાર ઉગારજો ભજાવી હરિ સર્વાધાર
પ્રમુખમાં વસતા શ્રીજી મહારાજ.. લાધ્યો..

લાધ્યો લાધ્યો પ્રમુખમાં પ્રભુ લાધ્યો
પ્રભુ પ્રમુખમાં કરતા કામ
એ તો શ્રીજીનું અક્ષરધામ.. લાધ્યો..

અક્ષર આપ વિણ રુદિયે

અક્ષર આપ વિણ રુદિયે

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ આ ઉનાળામાં અમેરિકાખંડને પાવન કરવા ને ભક્તોને સુખ દિલભાવન દેવા ભક્તિ સેવાભરી ભગવી સેના લઈ પધારી રહ્યાં છે ત્યારે એમના આગમન કાજે ઘડીઓ ગણતું ‘દિલ’ હજી દિવસોની દેરી જાણી ભગ્નદિલ થઈ પંખીડાંને આ પિંજરું જૂનું જૂનું લાગે   એ ઢાળમાં કલ્પાંત કરે છે..          

     

અક્ષર આપ વિણ રુદિયે સૂનું સૂનું સાલે
પધારો રે આંસુ અંતરિયું ભીનું ભીનું સારે

કાળજું કાંપતું રે કૂણું કાપતાં કળિકાળ કપરો
ઘૂંટ રે પીધો પીડિત પંડનો પળે પળે કડવો
હરિહેતે ભવ ભરવા પ્રમુખ તલપે ટળવળે રે
.. પધારો રે..

માયાને સુખદ જાણી મોહિત નજરુંએ કાણી
મદ મમતા મનડે માણી આફતને જ આણી
આત્મસુખ સારુ ચાહું અક્ષરઅમીની કમાણી
.. પધારો રે..

સેવા-ધર્મે શણગારિયું ભક્તિનું ભરેલું ભાથું
શ્રીજીશ્રધ્ધાને સત્કારતું નિર્માને નમેલું માથું
પાવન રે થાવું સ્વામી આપના આગમને રે
.. પધારો રે..

અક્ષર આપ વિણ રુદિયે સૂનું સૂનું સાલે
પધારો રે આંસુ અંતરિયું ભીનું ભીનું સારે

Published in: on એપ્રિલ 15, 2007 at 4:12 એ એમ (am)  ટિપ્પણી આપો  

સ્વામિનારાયણ અક્ષરધામ

સ્વામિનારાયણ અક્ષરધામ- દિલ્હી

રાજધાની દિલ્હીમાં સને 2005માં સર્જાયેલું સ્વામિનારાયણ અક્ષરધામ એટલે હજારો વર્ષોથી વિશ્વને વિસ્મય પમાડતી ને પ્રભાવિત કરતી સનાતની હિન્દુ સંસ્કૃતિને શાશ્વતતા બક્ષતું ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીશ્રીનું સમયાતીત સર્જન. યોગીજી મહારાજના શુભ સંકલ્પને સોળ શણગારે સાકાર કરતું તેમજ પથરે પથરે પ્રભુતા પ્રગટાવતું ને પગલે પગલે ભારતીય સંસ્કૃતિને પરખાવતું પ્રભાવક ને પ્રભુપ્રેમ પ્રેરક પરિસર. હિન્દુ સંસ્કૃતિના પ્રખર જ્યોતિર્ધર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણને સમર્પિત ભક્તજનોની નવ્ય, ભવ્ય ને દિવ્ય ભાવાંજલિ. દિલ્હી અક્ષરધામના દ્રષ્ટિના પલકારા માત્રનાં દર્શનથી પુલકિત ને પ્રેમાતીત ‘દિલ’ ” આજ મારે ઓરડે રે” એ ઢાળમાં ગાઈ ઊઠે છે.. ..

યમુના  કિનારે  રે  ઓપતું  અક્ષરધામ  અદભુત
વૈદિક  વારસો  રે અહીં આધુનિક ઢબે અલંકૃત
મંદિર ને  સ્મારક  રે  હિન્દુ  સાંસ્કૃતિક  સંસ્થાન
યોગીના સંકલ્પે  રે બેપ્સનું  હાર્દિક  અભિયાન

પંચધાતુ મૂર્તિએ  રે  પરબ્રહ્મ પીરસે પ્રેમામ્રિત
સ્તંભ  શિખર ધુંમટે રે અક્ષરબ્રહ્મ  આચ્છાદિત
સંસ્કાર  સંકુલ  રે અનુપ નકશીકામે આવરિત
અધ્યાત્મ અદાલતે રે વિજ્ઞાન વિગતે વિલાસિત

ના બસ નયનરમ્ય રે આરસ પથ્થરની ઈમારત
કણ કણમાં વિલસે રે માણસ ઉધ્ધારની ઈબાદત
ના બસ હિન્દની રે  એ સરસ  સંસારની ઈજારત
લોહને  સોનું  કરે રે એ  પારસ  પ્રભુની  વિરાસત

શિલ્પ  સંત  નેતાનાં  રે સેવા  સંદેશ  દે  પ્રાંગણ
ભરેલાં ગજપીઠે રે કળા કથા,  જગાડે આકર્ષણ
યોગીહ્રદય કમળ રે ઉપવને કમનીય આભૂષણ
યજ્ઞપુરુષ કુંડે રે છલકે  શ્રધ્ધા  ભક્તિ  સમર્પણ

દર્શન દે દિવ્યતા રે જુઓ ફુવારો મૂવી પ્રદર્શન
આમંત્રે  આલમને  રે સમજવા  ધર્મ  સનાતન
પરિક્રમાએ  ગૂંજે  રે   સ્વામિનારાયણ  મહામંત્ર
સહજાનંદી સ્મારક રે છે સત્યમ્ શિવમ્ સુંદરમ્

સંત શાસ્ત્ર મંદિર રે સંસ્કૃતિ અહીં રહે સલામત
ચહુદિશે  ચમકે  રે પ્રમુખની પ્રભુભરી  કરામત
શોભા કેમે વર્ણવું રે છે  મધુર મોહક મુક્તિધામ
રાજીરેડ ‘દિલ’  થાયે રે નિરખી દિલ્હી અક્ષરધામ

દિલ્હી અક્ષરધામ – અવનિ આંગણે આધુનિક વિશ્વની અજાયબી, વિશેષ માહિતી માટે http://www.akshardham.com/  લિંક પર ક્લિક કરો ને આનંદિત થાઓ. 

Published in: on એપ્રિલ 14, 2007 at 11:36 પી એમ(pm)  ટિપ્પણી આપો  

ચાલો મંદિર રે બનાવીએ

ચાલો મંદિર રે બનાવીએ

Go to fullsize image

ચીનો હિલ્સને આંગણ ચાલો મંદિર રે બનાવીએ
પ્રમુખ સ્વામી સંગાથ અક્ષર હરિવરને પધરાવીએ

ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગે પાતાળે પાયા પાથરીએ
સંસ્કારથી સંકુલને સજાવી સેવા સંદેશ ફેલાવીએ

સંપ સુહ્રદભાવ ઐક્યે શુભ અક્ષરધામ સર્જાવીએ
સનાતન ધરમ ધારી સત્સંગ સોડમ પ્રસરાવીએ

પ્રાંગણે ભક્તિ સિંચન કરી અમીબાગ ખીલવીએ
હૈયાના હેતે હવેલી ભરી સત્ શણગાર સજાવીએ

પ્રેમલ રંગોળી પાથરી પુનીત પરિક્રમા કરાવીએ
સદભાવ કેરા શિખર સર્જી ધરમ ધજા ફરકાવીએ

આજ્ઞા ઉપાસના સ્તંભે તપનાં તોરણ લટકાવીએ
આતમ જ્યોત જલાવી ગર્ભગૃહે પ્રભુ પ્રગટાવીએ

અક્ષર અસ્મિતા વહેંચી ગુરુવર ગરિમા વધારીએ
સેવા ને સદગુણ વેચી મંદિર મહાદાન કમાઈએ

ગુરુ-કૃપાએ મન દિલમાં આજ મંદિર બંધાવીએ
ચીનો હિલ્સને આંગણ ચાલો મંદિર રે બનાવીએ

Published in: on એપ્રિલ 12, 2007 at 4:57 એ એમ (am)  ટિપ્પણી આપો  

પ્રભુ તમે પ્રમુખરૂપે સોંઘા રે થયાં

 

પ્રભુ તમે પ્રમુખરૂપે સોંઘા રે થયાં

જીવ મથે કોટિ-કલ્પ તોયે ન થાયે પ્રભુ પિછાણ
જપ જપે ફરે હિમાળે તોયે અઘરી એ ઓળખાણ
સોંઘા રે થયાં.. .. પ્રભુ તમે પ્રમુખરૂપે સોંઘા રે થયાં

ચગડોળે ચકરાવા જ્યાં ચોરાશી લાખ રે ફર્યાં
એ ભવ અમારા બ્રહ્મભાવે ભગવાનમાં ભળ્યાં.. .. પ્રભુ તમે..

પાપ સ્વભાવો અરિ આયખે જે ભરપુર રે ભર્યાં
કે અંતરના તુજ અમીદાને ભાગાકાર થૈ બળ્યાં.. ..પ્રભુ તમે..

ખોળ્યાં સઘળે સરનામા શ્રેય કેરા જે ના જડ્યાં
કે કરુણા કેવી કૃપા કરી પ્રગટ ઘેર બેઠાં મળ્યાં.. ..પ્રભુ તમે..

જગવ્હેવારે અહર્નિશ ઉજાગરા નિરર્થક ને નડ્યાં
કે સંતન્ સેવાના સરવાળા ગુણાકાર થૈ ફળ્યાં.. ..પ્રભુ તમે..

નીતિ નિયમ ખટરસે ઘટ ઘડ્યાં યા ના ઘડ્યાં
કે ગુણાતીતગરિમા ગૂંજી ભક્તિરસ દીધાં ગળ્યાં.. પ્રભુ તમે..

ભણ્યાં ગણ્યાં લખેશરી હરિદર્શન વિના રે મર્યાં
કે અક્ષરના દ્રષ્ટિદાને અભણ તોયે હરિને કળ્યાં.. પ્રભુ તમે..

અક્ષર આરાધનના અક્ષર મારા ઓછાં નૈ પડ્યાં
કે ‘દિલ’ તારા ગીત સારા ઘટ ઘડનારા સર્યાં.. ..પ્રભુ તમે..

Published in: on એપ્રિલ 3, 2007 at 6:13 એ એમ (am)  ટિપ્પણી આપો  

ગુણાતીત ગુરુહરિ

 

સંસ્કાર સંવર્ધન કાજે સારા સંસારમાં અવિરત વિચરતા અને સમાજને સહજાનંદી સુખના દાતા ગરવા ગુણાતીત ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના ચરણકમળમાં આ ગુણાતીત ગીતાંજલિ સમર્પિત કરતાં ‘દિલ’  દિવ્યતા અનુભવે છે.

સંતહરિ સ્વયમ્ ગુણાતીત હોઈ એમના ગુણલા કેવી રીતે ગાઈ શકીએ? પુનિત પ્રમુખ સ્વામી પ્રેમાતીત હોઈ એમનો પ્રેમ કયા શબ્દોમાં વ્યક્ત કરી શકીએ? અક્ષરની અલૌકિકતા અને આધ્યાત્મિકતાને કયા અક્ષરોમાં અંકિત કરી શકીએ? સદભાવ સર્જન ને સત્સંગ પ્રવર્તન કાજે જગભર ઝઝૂમતા પણ જગથી વિરક્ત એવા યુગપુરુષ સંતવિભૂતિને એમના અગણિત ઉપકારોના બદલામાં ગુરુદક્ષિણારૂપે શું આપીને આપણે રાજી કરી શકીએ? 

-આ વિચારોમાંથી બી.એ.પી.એસ.ના શતાબ્દી વર્ષના ઉપક્રમે, તેમજ ચીનો હિલ્સ હિન્દુ મંદિરના શુભારંભે મન દિલમાં પણ મંદિર બનાવવાના પ્રયાસરૂપે આ “ગુણાતીત ગીતાંજલિ”ને ગુરુહરિની ભગવી ઝોળીમાં ધરવાનો સંકલ્પ કર્યો છે. એ માટેના અક્ષરબળ માટે અક્ષરવરને અંતરતમની અભ્યર્થના.

દિલીપ પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા

Published in: on ફેબ્રુવારી 4, 2007 at 6:16 એ એમ (am)  ટિપ્પણી આપો