સ્વામી તારે ચહેરે

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચાંદ શા સોહામણા ને તિલક ચાંદલાથી લોભામણા લાગતા ચમકીલા ચહેરાને અનિમેષ નયને દર્શીને નજરું ભરી લેવા માગતું દિલ ગાઈ રહ્યું છે..

   

હે જી રે  સ્વામી તારે  ચહેરે ચમકે  ચાંદ સોહામણો
નજરું મ્હારી  લઉં ભરી તિલક  ચાંદલો લોભામણો

સંધ્યા ટાણે નીલ ગગને સૂરજવત્  સોહતી સૂરત
પ્રભાતી પ્રભા શી પ્રકાશતી પ્રભાવી મઘુરી મૂરત

નિર્દોષ નિર્માની નયનમાં ભગવાન ભરતો પહેરો
નિતરે નજરે નેહ નીર  પ્રભુ-પ્રીતે ગરકાવ ગહેરો

મસ્તિષ્કે ભક્તિ-મહેરામણ ને ભરતી કલ્યાણકારક
રહે દિલે મુક્તિદાતા મહારાજ લખચોરાશી તારક

ભુલી ભગવંત  ભવાટવી માંહે   ભટકંતો વણઝારો
ગ્રહી તવ ચરણ લભે શરણ મોક્ષ મંઝિલ મિનારો

વદન વચનમાં વરસે વરદાન શ્રવણ ક્ષુધા શામક
ભક્તજન રે ભિંજાયે ભરપૂર તરસ છિપાવે ચાતક

સ્મિત પ્યારું ભવસરમાં ડૂબતા જીવન કેરો કિનારો
બનાવી અક્ષર છોડાવે બંધન તારો અમૃત સહારો

માયા જાદુગરી પ્રમુખ મુખની સંસારી થયા સાધક
કૃપાળુ! મંદિર કીધાં મન દિલ મુકાવી પાપ પાતક

Advertisements
Published in: on ફેબ્રુવારી 8, 2008 at 2:56 એ એમ (am)  Comments (1)  

હરિપુંજ હેલી

હરિપુંજ હેલી

 

જનજનના બેલી એવા બાલમ સર્વોપરી શ્રીહરિને જ બિસ્તરમાં લઈને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની અક્ષર-ફેરી આજે આલમભરમાં અધ્યાત્મની વસંત વેરતી ફરી રહી છે ને અમીપુંજની હેલી થઈને પરમ સેવા ને પર સેવા કાજે પરસેવા પાડવા પ્રેરી રહી છે.  શાસ્ત્રીજી મહારાજે વાવેલા આ બાપ્સ સંસ્થાના બીજને ઘરઘરમાં ને ઘટઘટમાં વટવૃક્ષવત્ ફેલાઈ વિશ્વભરમાં વિસ્તારનારા ગરવા ગુરુહરિની ગરિમાથી ગૌરવવંતુ થઈને દિલ  આમ થનગની ઉઠે છે..   

ભવોભવની રે અંતરિયે ભરી આરત બસ બાલમ બેલી
ભક્તિ જ્ઞાન ધરમ વિરાગને ધારી મોહ માયાને રે મેલી
સહજાનંદી સજીને સમજ પરમ કેરી પરખ કીધી સહેલી
ઘટ નિકુંજે વળી પ્રમુખજી પ્રેમે વરસ્યા થૈ હરિપુંજ હેલી

લઈ બિસ્તરે બાલમ અક્ષર-ફેરી ફરતી આલમ ઘેરી
રે વિસ્તરે આલમ સંતન્ ભેરી વાસંતી વાલમ ઘેલી

ગુણાતીતને પરખાવે શાસ્ત્રીજી જ્યહીં બાપ્સબી વેરી
ઘટઘટમાં પધરાવે હરજી પ્રમુખજી વટવૃક્ષવત્ ફેલી

કરી જીવનરણ વેરણ ને વિષય વાસના માયા વેરી
ઘરઘરમાં વિચરે સ્વામી બની દીનદુ:ખિયાના બેલી

પરસેવા પ્રેરી  એ પર સેવાના  દે  ભક્તિ  ભીડા ભેરી
અમ અંતર નિકુંજે વરસે અક્ષર  થઈ અમીપુંજ હેલી

પગલે પગલે દયા દુઆ એ પ્રગટાવે દઈ અક્ષરદેરી
કરી મંદિર મન દિલમાંહે ભવ ભવ કેરી ટાળે પહેલી

Published in: on જાન્યુઆરી 19, 2008 at 12:32 એ એમ (am)  ટિપ્પણી આપો  

તારી ભગવી રે ઝોળીમાં

તારી ભગવી રે ઝોળીમાં

Bhagwan Swaminarayan, Aksharbrahma Gunatitanand Swami and Shri Gopalanand Swami, Amdavad

મકરસંક્રાંતિના આજના શુભ દિન નિમિત્તે ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીની ભગવી ઝોળીમાં ભવને દાન આપીને ને ગુણાતીત ગુરુના ગાન ગાઈને ઉત્તરાયણની ઉજવણી કરવાના જ્યારે દિલમાં અરમાન જાગ્યાં છે ત્યારે ઐહિકતા ને રાગરંગથી રંગાયેલું એજ દિલ  ગુરુવર અક્ષરને ભવ દાન આપતાં આપતાં જ એમની પાસે પ્યારી મધુરી સર્વોપરી શ્રીહરિની મૂર્તિ શા ભગવાન મેળવવા માટે આ રીતે વરદાન માંગી બસે છે…         

તારી ભગવી રે ઝોળીમાં ભવ દાન દેવાનાં જાગ્યા અરમાન
ગુણાતીત તારા બસ ગાવાં છે ગાન
કે ભગવા માંહે મેં ભાળ્યા ભગવાન.. તારી ભગવી રે..

ભવ ભવથી ભટકેલા પથિકને હાથ રે આવ્યાં મંઝિલ મુકામ
જીવનની હોડીનું તને સોંપવું સુકાન
કે ડૂબવું મારે નવ માયાને મઝધાર.. તારી ભગવી રે..

ઐહિક ખજૂર માગતા મજૂરને ભગ આણ્યાં શાશ્વત સુખધામ
મોહ મિરાજ અને રણ છોડવું વેરાન
કે હેરાન નવ થાવું કાયા કેરી દુકાન.. તારી ભગવી રે..

દેહ મહેલના રંગરાગમાં મન દિલને મારાં કરવા છે મહેમાન
અહંને નાથવા નાથ થાજે યજમાન
કે તવ છત્રછાયે તરી તજવું ગુમાન.. તારી ભગવી રે..

પ્યારી મધુરી મૂર્તિમાં રહેવાને ગુલતાન  દિલ   માગે વરદાન
ગુણાતીત ગુરુ હું ના ભુલું ભગવાન 
ને સદ્ વર્તને કરું હરિવરનું સન્માન.. તારી ભગવી રે..

Published in: on જાન્યુઆરી 14, 2008 at 7:00 એ એમ (am)  ટિપ્પણી આપો  

કરજો ભવાટવી પાર

કરજો ભવાટવી પાર

 

મોહના મૃગલા ભણી ભવોભવ ભાગી ભાગીને અંતે ચોરાશીનો શિકાર થતું આવેલું દિલ  જગભરમાં અવિરત વિચરતા મોક્ષના દ્વાર સમા એકાંતિક સંત એવા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભવાટવી પાર કરાવવા ને સૂકાભઠ જીવતરના રણમાં વાસંતી ફોરમની વણઝાર થઈ વહેવા આમ આજીજી કરે છે…       

અમે મોહમૃગ ભણી ભાગી થતા ચોરાશીનો શિકાર
વિચરતા તમે થૈ મોક્ષનું દ્વાર કરજો ભવાટવી પાર

અમે સ્વારથી સૂકાભઠ રહેતા વહી માયા મઝધાર
તમે વ્હેજો ભવરણમાં થઈ વાસંતી ફોરમ વણઝાર

ગણી ગુણ ગણિત શેષ લભતા સુખ શૂન્ય સુનકાર
ગુણાતીત તમો ઘૂંટવજો હરિવર શાશ્વત સુખભંડાર

અહંકારી અમે મનડે ભરતા વિષય વાસના વિકાર
હંકારજો હેતે અમ હોડી પૂરી કર્તા-હર્તા હરિ વિચાર

અહોનિશ અમે ભોગભોમ ભટકી ના ઠરતા પળવાર
પ્રમુખ છો પ્રભુધામ સાકાર વસજો દિલ  થૈ ધબકાર

Published in: on જાન્યુઆરી 14, 2008 at 6:46 એ એમ (am)  ટિપ્પણી આપો  

ચાહ ચરમ પરમ દેજો

ચાહ ચરમ પરમ દેજો

 

સહજાનંદી શાશ્વત સુખ કાજે  વિષય વાસના ને વિકારી વિચારો વિસારી દેતું દિલ ગુરુવર અક્ષરને અંતરના આંગણિયે પધારવા પ્રાર્થના કરે છે. વળી મહારાજનો મહિમા મઠારીને મનની કામ આગ ઠારી છે છતાં પણ અશાંતિનો અનુભવ કરતું દિલ  ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી પાસે હૈયામાં હરિવર શો હિમાલય ઉતારવા આમ વિનંતી કરે છે. …  

વિષય વાસના વિસારી  તજ્યા  છે વિચારો વિકારી
સહજાનંદી સુખડાં રેલાવો અક્ષર આંગણિયે પધારી

ઉપાસના આજ્ઞા ઉર ધારી છોડ્યા સ્વભાવ અહંકારી
ભજન ભક્તિભાવના ભરજો હરિવર રુદિયે પધરાવી

મહારાજ મહિમા મઠારી મનની કામ આગ છે ઠારી
આનંદ અલૌકિક આપજો હિમાલય અંતરિયે ઉતારી

મમત માયા મોહને રે મારી કાઢી મસમોટી બિમારી
ભવ ભવની ભ્રમણા ભાંગજો લખચોરાશીથી ઉગારી

સેવા સત્ સાઘના સ્વીકારી કરું હું કાજ પર ઉપકારી
ચાહ ચરમ પરમ દેજો મન દિલ મંદિરથી શણગારી

Published in: on જાન્યુઆરી 14, 2008 at 6:43 એ એમ (am)  ટિપ્પણી આપો  

હરખે રળીએ ઝોળી

હરખે રળીએ ઝોળી

 

સ્વામિનારાયણીય સંપ્રદાયમાં ઉત્તરાયણના ઉત્સવનો પર્યાય એટલે ઝોળીપર્વ.  ચૌદમી જાન્યુઆરીના પવિત્ર દિવસે ઉજવાતો મકરસંક્રાંતિનો શુભ અવસર જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે શ્રીહરિના શરણમાં સ્વભાવ ઢોળીને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સંગમાં સદ્ભાવની ઝોળી રળવા આતુર દિલ  આમ થનગની ઉઠે છે…     

સર્વોપરી શ્રીહરિને શરણે સ્વભાવ સર્વે ઢોળી
હાલો હરજી ગુરુજી સંગે  હરખે રળીએ ઝોળી

સંત ભગવારંગી આપણ માયાવી મેઘધનુષી
પ્રીતે પ્રગટ પ્રભુને પૂજી મોહની કરીએ હોળી

કામ ક્રોઘે મદમાતા વળી રાગ રંગે કરમાતા
મનપેટીને ખોલી મહીં નિર્ગુણ ભરીએ ખોળી

મારું તારું હુંસાતુંસી પળ કીમતી જતી વીતી
ભાવે ભજી ભગવંત ઘટ ભક્તિ ધરીએ ધોળી

પંચવિષયી પાગલ પામર જીવન ધૂળધાણી
મોંઘેરાં મહારાજ મળ્યાં વાત ન કરીએ મોળી

મદ મરતબો માન એતો સાધનાપથના વેરી
હરિ હંકારે એમ જ રહેવા ઘમંડ દઈએ બોળી

ધરમ ભક્તિ જ્ઞાન વિરાગ ને મહિમા સંભારી
બ્રહ્મ થૈ પરબ્રહ્મ પામવા ગુરુવેણ પીએ ઘોળી

સહજાનંદી સંતન્ સેવકની પ્રમુખપ્રેમી ટોળી
હાલો  હરજી ગુરુજી સંગે હરખે રળીએ ઝોળી

Published in: on જાન્યુઆરી 11, 2008 at 2:35 એ એમ (am)  ટિપ્પણી આપો  

મઢ્યાં મૂર્તિ મોતી

મઢ્યાં મૂર્તિ મોતી

પ્રભુના દર્શનની પ્યાસી ને ડુસકાંભર રડી રડીને સુકાઈને અશ્રુહીણી થયેલી ભક્તદિલની નયનોમાં ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે  રહેમ કરીને વ્હાલવર્ષા વરસાવીને  ને અક્ષરના અમી આંજીને મૂર્તિ શાં મોતી ચમકાવ્યા છે એનો આનંદ દિલ  આમ અનુભવે છે…    

દર્શપ્યાસી જે નૈનનદી સૂકીભઠ પ્રભુને રહી બસ ગોતી
અશ્રુહીણી એ તો રહી  ડુસકાંભર છોને વહી ભવ રોતી
કે પ્રમુખ તમે વરસાવી વ્હાલવર્ષા રહેમે રેલી ધોધમાર
આંખ્યુંને રે આંજી અમીએ ચમકાવ્યાં મૂરતિ શા મોતી

વર્ષોની તરસી નૈનોમાં વરસ્યા રાજ માણેક મોતી
ગુમસુમ ઘટનગરીમાં વસ્યા આજ મહારાજ મોતી

દરિયાવ દિલ પ્રમુખજી તમે પ્રેમે ખોલ્યાં મુક્તિદ્વાર
મૂર્તિ બસ ગૈ વસી  થૈ મરજીવા  છો ન અમે ગોતી

લહેરે લીલા કેરી લપેટી લાખ લડાવ્યાં લાડપાન
હરિકાજ ન કરી તપસ્યા  તોય લભ્યા બ્રહ્મજ્યોતિ

અધ્યાત્મ અમી રેલી વર્તનમહીં વેર્યાં વેદ વર્તમાન
પુરાણ ઉપનિષદ ગીતાની વાત છો ન વાંચી મોટી

ઉપાસના આજ્ઞા હરિ અક્ષર કેરી અર્પી સહજાનંદી
કે સુખ દુ:ખના હરખ શોકમાં આંખ હવે નવ રોતી

હેતલ હુંફાળા તવ હૈયા હેમાળે ઠારી આતમ આગ
મન દિલમહીં હરિ ચાંદની વેરી મઢ્યાં મૂર્તિ મોતી

Published in: on જાન્યુઆરી 2, 2008 at 6:52 એ એમ (am)  ટિપ્પણી આપો  

મંદિર

મંદિર  

 

મંદિર એ હિન્દુ સંસ્કૃતિની શાન અને પહેચાન છે. 
હમ સનાતની હિન્દુ હમારી મંદિર હૈ પહેચાન – મંદિર વિશેની મહિમાવંતી માહિતી જાણવા ને માણવા યોગ્ય લિન્ક:  http://www.swaminarayan.org/gujarati/satsang/2006/2209.htm

આપણે સાવ પૃથ્વીના પાર્થિવ માનવો જ છીએ.  હું તો કહું છુ _ કે તમે મંદિરમાં જાવ. મંદિર એ અંધશ્રદ્ધાનું સ્થાન નથી. આપણે નમ્રતા અને પશ્ચાત્તાપની ભાવનાથી મંદિરમાં જવું જોઈએ. ભક્તોના મનમાં મંદિર અને મૂર્તિઓ પથ્થરની ઈમારત નથી પરંતુ તેમના મનમાં તો આ ચૈતન્ય તત્ત્વ છે. મંદિરોને તોડવાં (કે તેના ગૌરવને હણવું) એ તો આપણા ધર્મનો જ વિનાશ છે, કારણ કે મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહસ્થાન છે. લાખો-કરોડો હિન્દુઓ આ મંદિરો દ્વારા આશ્વાસન અને શાંતિ પામે છે, આ મંદિરોને જમીનદોસ્ત કર્યા પછી જો જો કે, કેવાં ભયાનક પરિણામો આપણને પ્રાપ્ત થાય છે.મહાત્મા ગાંધી

સર્વોપરી શ્રીહરિના અખંડ ધારક સંત શિરોમણી ને વિશ્વ વિભૂતિ એવા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે  દેશ દેશાવર મનોહર મંદિરોનું વિક્રમકારી સર્જન http://www.akshardham.com/news/2007/guinnessworldrecord/%20index.htm કરીને સનાતની હિન્દુ સંસ્કૃતિના પાયા પાતાળે નાખ્યાં છે.  મંદિરની ભવ્યતા ને દિવ્યતા નીરખીને તેમજ  મનની સ્થિરતા માટે મંદિરની મહત્તા અને અનિવાર્યતા અનુભવીને દિલ  આમ અહોભાવ વ્યક્ત કરે છે.    

ચગડોળ ચોરાશીનું ફરતું કરી અંતર અસ્થિર
થતું મન સ્થિર નીરખી મનહર હરિવર મંદિર

મનુજ ભટકે વાસનામયી વણઝારે થૈ અધીર
મંઝિલ ભાળે મુકામ મધુર મારગ ખડું  મંદિર

મોહાંધ નયનાને નવ રે મળે આરામ લગીર
આનંદ અપાર રે દ્રષ્ટિમહીં છલકાવતું મંદિર

ભૌતિક ભોગ શી ભઠ્ઠીએ જ્યાં સળગતું શરીર
હેમાળાની હૂંફ હિમે  હૈયાને  હરખાવતું મંદિર

ખેવનાના ખેતરિયે  વવાયે વેર ખોટા ગંભીર
ઉર કેરા ઉદ્યાને અમીવેલ રે ખીલવતું મંદિર

ભૂલભૂલામણી ભવની ભુલાવે રામ ને કબીર
હરિઅક્ષરના મિલન કેરો મુલક બનતું મંદિર

માયા મઝધારે  અટવાઈ ડૂબે  વડીલ સગીર
નાવિક બને સત્પુરુષને  ને નૌકા થાતું મંદિર

સ્વારથ સ્વભાવે પરપીડા કાજે જાણે બધીર
સેવા સદભાવ તણો ઘંટારવ ગુંજવતું મંદિર

કળિકાળ  કારખાને કચડાયે  કપટી ને  ફકીર
સંસ્કૃતિનું  સ્થાયી  સ્મારક સદા  સરતું મંદિર

શ્રધ્ધાહીન જીવ રે જીવે ભુલીને કંચન કથીર
મન દિલમાં હરિ હીર શીલ પધરાવતું મંદિર

Published in: on ડિસેમ્બર 29, 2007 at 1:26 એ એમ (am)  ટિપ્પણી આપો  

જીવતર મારું કર્યું પાવન

જીવતર મારું કર્યું પાવન

 

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે લાખો હરિભક્તોના જીવતર માવતરની જેમ હાથ ઝાલીને પાવન કર્યાં છે ને લખચોરાશીના ભાર હર્યા છે.  સેવારૂપી ભક્તિના ભાથાં ભરાવીને ને દાસભાવે ભગવાન ભજાવીને સહુના ઘટમાં નાથ સજાવ્યા છે.  સહજાનંદી શાશ્વત સુખડાંનો અંગોઅંગ આનંદ અનુભવતું દિલ આમ ગુણાતીત ગાનનું ગુંજન કરે છે..       

જીવતર મારું કર્યું પાવન
ગુરુ પ્રમુખે હાથ ઝાલી રે

અઢળક સુખડાં ગુરુ સંગત
અંગ આનંદ નવ માયે રે

ભક્તિ સેવા ભરાવી ભાથે
અહમ્ મમત નવ માથે રે

મન માંદગી મટાડી મારી
મોટપ મહારાજની આણી રે

હરતો ફરતો હરજી લાધ્યો
ભવ ફેરાંનો ભય ભાગ્યો રે

દિલ પ્રમુખ પ્રેમમાં પાગલ
ગીત ગુણાતીતના ગાયે રે

Published in: on ડિસેમ્બર 29, 2007 at 12:46 એ એમ (am)  ટિપ્પણી આપો  

જિંદગી રંગી મેં સત્ સંગથી રે

જિંદગી રંગી મેં સત્ સંગથી રે

 

ભવોભવથી ભગવાનને ભૂલીને ભટકેલ દિલ  જ્યારે ગુણાતીત ગુરુહરિના ઘટમાં પ્રગટ પ્રભુને દર્શે છે ત્યારે ચહુધામની યાત્રા કે જપ તપ વિના જ  પ્રભુ પામ્યાનો અહેસાસ કરીને ઘટમાં ઘનશ્યામને ધારે છે ને  સત્સંગથી જિંદગી રંગીને  ઊંચી મેડી રે મારા સંતની રે કૈંક એ ઢાળમાં મન દિલમાં મંદિર બન્યાનો આનંદ  આમ અભિવ્યક્ત કરે છે…   

હે જિંદગી રંગી મેં સત્ સંગથી રે
એ તો ધારી ઘટ ઘનશ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

લખ રે ચોરાશી માંહે ભટક્યો
ભૂલીને ભવભવ રે ભગવાન
ભગ પામ્યો હરિ સંત સુજાણ
દર્શ્યાં પ્રમુખઘટ પ્રગટ શ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

ધરમ ભક્તિના કરમ આદર્યાં
ભાવે ગાયા રે ગુણાતીતગાન
વચન વર્તમાન વર્તને આચર્યાં
મંદિર બન્યાં મન દિલ આમ.. હો શ્યામ
જિંદગી રંગી..

નહિ જપતપ નહિ હોમહવન
નહિ જોયાં હિમાળો ચહુધામ
ગુરુદુઆએ દિલ ફેરાં ફળિયાં
લભ્યાં પ્રભુ પ્રમુખમાં સાક્ષાત્..હો શ્યામ
જિંદગી રંગી..

હે જિંદગી રંગી મેં સત્ સંગથી રે
એ તો ધારી ઘટ ઘનશ્યામ.. હો શ્યામ
જિંદગી રંગી..

Published in: on ડિસેમ્બર 29, 2007 at 12:28 એ એમ (am)  ટિપ્પણી આપો