પ્રમુખ સ્મૃતિ સ્તુતિ અષ્ટક

HH Pramukh Swami Maharaj

પ્રમુખ સ્મૃતિ સ્તુતિ અષ્ટક
છંદ: શાર્દૂલવિક્રીડિત
(શોભો સાધુ ગુણે સદા સરળ ને જક્તે અનાસક્ત છો)

દીપ્યાં થૈ દિવડા પ્રમુખ પ્રભુના માયા અમાસી જહીં
સંતોમાં સૂરજ સ્વયં પણ થયાં છાયા પરમની ખરી
વિચર્યા હરિ સંગ શ્રેય કરવા મોહાંધ આલમ મહીં
એવા ગુણાતીત સંત તમને સ્નેહે નમીએ લળી

વનમાળી થૈ બીજ હાં ધરમનાં વાવી અમ જીવમાં
ખીલવ્યો બગીચો બહુ જતનથી બીએપીએસ તણો
સુગંધી પ્રસરી જગે થઈ સેવા સંદેશ સોહામણો
એવા સેવા મૂરતિ પ્રમુખજી સ્મરીએ સ્નેહે સદા

કેવા પ્રમુખ! હાથ બસ જોડવા હાં એક આદત પડી
‘સૌનું પ્રભુ ભલું કરો’ રુદયમાં હાં એજ આરત જડી
ચાદર જે પદવી સમે મળી સમાવી સૃષ્ટિ ફાધર બની
એવા પ્રમુખ ગુરુવર પ્રણમિયે પ્રેમાર્દ્ર સાદર નમી

થઈ દાક્તર દયાળુ! દર્દ પરના પંડે જ પ્રેમે ધર્યા
સ્વસ્થ જીવન અમ તમે જ જાગી રાતો રહેમે કર્યા
ચોરાશી ભવરોગ અમ અહા ગ્યાં બન્યાં તમે મોક્ષદા
એવા વાલમ વૈદરાજ! વંદન કોટાનકોટિ ગ્રહો

ઈજનેરોમાં છો અજોડ ઉડતાં બ્રહ્માંડ તુજ રોમમાં
વિશ્વકર્મા થઈ અક્ષરધામો કંડાર્યા આ ભોમમાં
મન દિલમાં અમ હાં મંદિર મઢ્યાં વર્તી વર્તાવી તમે
એવા પ્રભુધામ પ્રમુખ સદા વસજો અમારા રુદયે

પિચકારી રેલી પ્રભુ પ્રેમની રંગ્યા ફૂલદોલમાં
ફગવા દૈ સદ્ભાવ સંપ સમજ શા કૃપા તમે બહુ કરી
ક્રિયા છો જગની જણાય સ્વામી લીલા અલૌકિક અતિ
સદ્ભાગી અમ થ્યાં પ્રસાદ પામી કરીએ પ્રમુખ વંદના

નેતાઓના થઈ જનેતા જેણે અધ્યાત્મ નીતિ દીધી
વિદેશે વિચરી અહોનિશ અહા સત્સંગ સેવા કીધી
બીજાના સુખમાં સમાયુ સુખ સ્વનું વાત વર્તી વદી
એવા પ્રમુખ રાજ ગુરુ નમીએ નારાયણ દર્શી મહીં

સંતોમાં શિરમોર તોય દાસના દાસ થઈ વર્તિયા
નિર્માને નમી હાં સદાય ગુણલા ગુરુ તણા ગુંજિયા
વર્તન વીણા રેલી વાત સ્વામીની વેદ વચનામૃતો
એવા ગુણાતીત સંત ‘દિલ’ હાં પાયે નમે સર્વદા

Published in: Uncategorized on January 1, 2022 at 3:35 pm  Leave a Comment  

ગુણાતીત ગીતાંજલિ – “મન દિલ બનજો મંદિર”

જેઓએ સનાતન સંસ્કાર સંવર્ધન અને સ્વામિનારાયણીય સત્સંગ પ્રવર્તન કાજે સારા સંસારમાં આજીવન અવિરત વિચરીને આદિવાસીથી લઈને અમેરિકાવાસી સહુને પરમાનંદી પ્રેમથી પાવન કરીને સહજાનંદી સુખમાં તરબોળ કર્યા એવા વિશ્વ વંદનીય ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ સ્વયમ્ ગુણાતીત હોઈ એમના ગુણલા કેવી રીતે ગાઈ શકીએ? પુનિત પ્રમુખ સ્વામી પ્રેમાતીત હોઈ એમનો પ્રેમ કયા શબ્દોમાં વ્યક્ત કરી શકીએ? અક્ષરની અલૌકિકતા અને આધ્યાત્મિકતાને કયા અક્ષરોમાં અંકિત કરી શકીએ? સદ્ભાવ સર્જન ને સત્સંગ પ્રવર્તન કાજે જગભર ઝઝૂમેલ પણ જગથી વિરક્ત રહેલ એવા આ યુગપુરુષ સંતવિભૂતિને એમના અગણિત ઉપકારોના બદલામાં ગુરુદક્ષિણારૂપે શું આપીને આપણે રાજી કરી શકીએ?

આ વિચારોના ફળરૂપે તેમજ મન દિલમાં પણ મંદિર બનાવવાના પ્રયાસરૂપે ગૂંથાયેલી આ ગીત ગુલોની માળા શી ગુણાતીત ગીતાંજલિ “મન દિલ બનજો મંદિર”, બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના  જન્મ શતાબ્દી વર્ષે, તેમજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, ચિનો હિલ્સ (એલએ- લોસ એન્જેલસ – મંદિર)ના દશાબ્દિ પોટોત્સવ પ્રારંભે ,પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય  મહંત સ્વામી મહારાજના ચરણકમળમાં સમર્પિત કરતાં ‘દિલ’ અલૌકિક આનંદ અને પરમ દિવ્યતા અનુભવે છે.

હાં રે હોંશે હોંશે પ્રમુખપ્રેમના હે જી પ્રભુપ્રેમના પિયુષ અમે પીશું ને પાશું

સોડમ સહજાનંદી ગુરુ ગુણલાની ધરી અમે ગમતીલા ગુલાબ બની જાશું
ગીત પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દીના અમે ગરવીલા ગુલાલ બની ગાશું
હાં રે હોંશે હોંશે પ્રમુખપ્રેમના હે જી પ્રભુપ્રેમના પિયુષ અમે પીશું ને પાશું
હાં રે હોંશે હોંશે પ્રમુખપ્રેમના..

દયા ભરિયો દિલ દરિયો અમ અંગે ઉમંગે ઉલેચી વ્હાલ વારિ વરસાવ્યા
દુઆ હેલી રુદિયે રેલી પાશ ચોરાસી રે ઉકેલી હરિ સર્વાવતારી પધરાવ્યા
પરમ સેવા હાં પર સેવાના પરસેવાની જે વહી ગંગા એ મહીં સનેહે ન્હાશું
ભીડાભક્તિમાં ભિંજાઈ સેવા શક્તિમાં સિંચાઈ સૌને ગમીએ એવા થાશું
હાં રે હોંશે હોંશે પ્રમુખપ્રેમના..

પ્રમુખસ્વામી આપે તો ખોબલે ખોબલે ખૂબ દીધું બસ ના દીધાં દુ:ખ દરદ
આજ એક અરજ એજ ગરજ મહંતસ્વામી મહીં વહેજો સુખે શત શત શરદ
અક્ષર અમીબુંદ ઝીલી હરિ હરીયાળીએ ખીલી દિલ ગૂંજે કદી ના કરમાશું
ગરવા ગુણલા તમારા હે ગુરુહરિ ગુણાતીત હમેશ હેતે હોંશે અમે તો ગાશું
હાં રે હોંશે હોંશે પ્રમુખપ્રેમના..

હે જી પ્રભુપ્રેમના પિયુષ આજ પીશું ને પાશું
હે જી પ્રમુખપ્રેમના પિયુષ આજ પીશું ને પાશું

Published in: Uncategorized on December 11, 2021 at 6:37 pm  Leave a Comment  

કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત

05 September 2014 - HH Pramukh Swami Maharaj's Vicharan, Sarangpur, India

માયામય જગતને આચાર, વિચાર અને વહેવારમાં વણીને જીવાયેલા જીવતરને છોડીને હવે પ્રભુવચન તેમજ પંચવર્તમાનને વર્તનમાં વધાવી, સદ્ ભાવ ને સંસ્કાર સજી સંસારમાં સહજાનંદી સારેગમ રેલાવી દિલ ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજનો પુનિત પ્રેમ પામવા પોકારે છે..

સેવા ભક્તિના સૂરમાં રાચી ધારું શ્રીજી સત્સંગની રીત
સેના ભગવીના નૂરમાં નાચી પામું પ્રમુખ પુનિત પ્રીત
મળ્યા મૂર્તિ શા મોતી જગ સાગરે મરજીવા થયા વિણ
એવા મુક્તિના પૂરમાં રેલું ગુણાતીત હરિ તમારું ગીત

સહજાનંદી સારેગમ રેલાવી પામું પ્રમુખજી તવ પ્રીત
પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત

આચાર વિચાર વ્યવહારે જગ પ્રધાન કીધું જીવતરમાં
વચન વર્તમાન વર્તને વધાવી ધારું શ્રીહરિ મમ ચિત્ત.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

પુણ્ય પાપના કરી સરવાળા થાક્યો કર્મના કમ્પ્યુટરમાં
અહંશૂન્ય થૈ અક્ષર એકડે ગણવું બસ ગુણાતીત ગણિત.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

મોહ માયાનો માર માદક ના સહેવાતો આ ચોરાશીમાં
સદ્ભાવ સેવા શ્વાસે સજાવી ભરવું મારે અંતરિયે અમ્રિત.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

પંગુ કરવા પંચવિષયી પવન વહેતો ગુણના ગગનમાં
આજ્ઞા ઉપાસના પંખ પ્રસારી ઉડવું અક્ષરધામ સમીપ.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

સુખડાં માણતાં દુ:ખડાં આણ્યા સૌ સ્વાર્થના સંબંધમાં
ધર્મ ભક્તિએ ઉર ઉભરાવી જોડું નાતો ‘સ્વ’ભાવ રહિત.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

પ્રભુ પામવા પ્રમુખ ગુરુ ના ભટકવું આ ભવ મંઝિલમાં
મંદિર કરી મન દિલમહીં ભજવાં ભાવે શ્રીજી ગુણાતીત.. કે પામું પ્રમુખ પ્રીતમ તવ પ્રીત..

Published in: on June 26, 2008 at 11:14 pm  Leave a Comment  

બાપ્સ સંસ્થા કેરી ચાદર

બાપ્સ સંસ્થા કેરી ચાદર

PSM01V16 - Pramukh Varni Din Ayo: Pramukh Swami Maharaj Jivan Charitra Part  1 - YouTube

આજનો (21મી મે) શુભ દિન એટલે પ્રમુખ વરણી દિન. ગુરુવર્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા ગુણાતીત ગુરુહરિ શાસ્ત્રીશ્રી નારાયણસ્વરૂપદાસજીની  પ્રમુખ  તરીકેની નિમણૂંકનો દિન. વિશેષ માહિતી માટે આ લિંક પર ક્લિક અવશ્ય કરશો.  http://www.swaminarayan.org/festivals/pramukhvarni/index.htm . અડગ વિશ્વાસ અને અઢળક વ્હાલ ભરીને સંત વિભૂતિ શાસ્ત્રીજી મહારાજે બાપ્સ સંસ્થાનના પ્રમુખની જે ચાદર 28 વર્ષીય સ્વામીશ્રીને ઓઢાડી હતી એમાં ગુરુહરિએ એકે ડાઘ પણ ના પડવા દીધો, બલ્કે ચાર ચાંદ લગાવી વિશ્વભરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિની ધજારૂપે ફેલાવી દીધી ને બાલ વડીલ અમીર ગરીબ સહુને એમાં સમાવી લીધા. આજના આનંદના અવસરે હરખઘેલું દિલ  આમ ગાઈ ઉઠે છે…

શાસ્ત્રીજીએ વ્હાલ વિશ્વાસે ઓઢાડી જે સંસ્થા કેરી ચાદર
જુઓ એનો પ્રમુખસ્વામીજીએ કીધો કેવો અદકેરો આદર
લાગવા ના દીધો એકે ડાઘ ચમકાવ્યા એમાં ચાર ચાંદ
બાળ વડીલ ગરીબ અમીર સમાવ્યા સહુને થઈ ફાધર

વિચર્યા એ તો અહોનિશ આલમ કરી હરિને હેતે આગળ
ઝોળીએ લઈ પેન કાગળ વિસ્તર્યા ક્ષિતિજે મેલી પાદર
થૈ શ્રવણ લૈ ધર્મ-ભક્તિ કાવડ પીડ પરાઈ ઠેલી પાછળ
સદાચારી સજી પાલવ ભક્ત-ટોળી કીધી ઘેલી પાગલ

સેવા કેરા પરસેવા પાડી ભીંજવ્યા વ્હાલના વેરી વાદળ
ભીડા રૂપી ભક્તિ ભજાવી દીધા શાશ્વત સુખ કેરા સાગર
મૂર્તિ મહિમાએ મઢ્યા વિરાગ મૂકાવ્યા મદ મોહ મિરાજ
માયા મઝધારેથી મુક્તિતટે આણ્યા લીલા શા દૈ લાંગર

પ્રેમે પોરી હરિબળ ઝાકળ ધોઈ અમ મમતે મેલી ચાદર
અભાવ અવગુણ અરિ મેલાવી પૂર્યા રંગો પ્રીતિ આદર
કુસંપ કપટ કઢાવી કાજળ ગુરુહરિએ કીધા કેવા કામણ
મન દિલ તો પ્રમુખ પ્રેમે પાવન કરે વંદન કોટિ સાદર

Published in: on May 21, 2008 at 5:04 am  Leave a Comment  

ફરે શ્રવણ શા અક્ષર અલગારી

ફરે શ્રવણ શા અક્ષર અલગારી

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ ધર્મ અને ભક્તિથી શણગારેલી એવી કૃપા અને કરુણાની કાવડ લઈને શ્રવણ થઈને દેશ વિદેશે અવિરત વિચરીને ઘર ઘરમાં ને ઘટ ઘટમાં સેવા ને સત્સંગના સંસ્કાર સિંચી હિન્દુ સંસ્કૃતિનું સંવર્ધન કરી રહ્યા છે એ નીરખી ભાવસભર દિલ  આમ ગૂંજી ઊઠે છે…

સંસ્કાર સંવર્ધક શ્રેયસ્કારી ફરે શ્રવણ શા અક્ષર અલગારી
કાંધે કૃપા કેરી કાવડ ધારી શીંકે ધર્મ ભક્તિ છે શણગારી

ભાવે ભક્ત અંતરિયે થોભી લે એ અક્ષરહરિવરની ઝોળી
અવનિ આંગણ ઘરઘર ઘૂમી દે રે ગુણાતીતહરિ કેરી જોડી

દેશ વિદેશ વન ભવન વિચરી લે ભવદર્દી જીવોને ખોળી
ભક્ત-મંડળી પ્રભુ પિયાસી દૂર દૂરથી ઉમટે અક્ષર ઓરી

સંગ સેવાધારી સંતન્ ટોળી પ્રગટપ્રભુને રે દર્શે દેહ ઢોળી
પીએ પ્રમુખપ્રેમ ઘટ ઘોળી કે અક્ષર-અક્ષિ લે ચિત્ત ચોરી

જીવો જીવન પરહિતકારી ઘટ ઘટ પરમને પ્રગટ પ્રમાણી
સ્નેહે વર્તમાનમહીં વર્તાવી વદે વર્તનમાં વણી વેદવાણી

સેવા હરિ  જનની છે ભક્તિ સજ  એ સાધના દિલ  ઢંઢોળી
બ્રહ્મ થઈ પરબ્રહ્મને પામી  લે મંદિર મન દિલમાં ઝબોળી

Published in: on April 4, 2008 at 2:04 am  Leave a Comment  

સ્વામી તારે ચહેરે

ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના ચાંદ શા સોહામણા ને તિલક ચાંદલાથી લોભામણા લાગતા ચમકીલા ચહેરાને અનિમેષ નયને દર્શીને નજરું ભરી લેવા માગતું દિલ ગાઈ રહ્યું છે..

   

હે જી રે  સ્વામી તારે  ચહેરે ચમકે  ચાંદ સોહામણો
નજરું મ્હારી  લઉં ભરી તિલક  ચાંદલો લોભામણો

સંધ્યા ટાણે નીલ ગગને સૂરજવત્  સોહતી સૂરત
પ્રભાતી પ્રભા શી પ્રકાશતી પ્રભાવી મઘુરી મૂરત

નિર્દોષ નિર્માની નયનમાં ભગવાન ભરતો પહેરો
નિતરે નજરે નેહ નીર  પ્રભુ-પ્રીતે ગરકાવ ગહેરો

મસ્તિષ્કે ભક્તિ-મહેરામણ ને ભરતી કલ્યાણકારક
રહે દિલે મુક્તિદાતા મહારાજ લખચોરાશી તારક

ભુલી ભગવંત  ભવાટવી માંહે   ભટકંતો વણઝારો
ગ્રહી તવ ચરણ લભે શરણ મોક્ષ મંઝિલ મિનારો

વદન વચનમાં વરસે વરદાન શ્રવણ ક્ષુધા શામક
ભક્તજન રે ભિંજાયે ભરપૂર તરસ છિપાવે ચાતક

સ્મિત પ્યારું ભવસરમાં ડૂબતા જીવન કેરો કિનારો
બનાવી અક્ષર છોડાવે બંધન તારો અમૃત સહારો

માયા જાદુગરી પ્રમુખ મુખની સંસારી થયા સાધક
કૃપાળુ! મંદિર કીધાં મન દિલ મુકાવી પાપ પાતક

Published in: on February 8, 2008 at 2:56 am  Comments (1)  

હરિપુંજ હેલી

હરિપુંજ હેલી

 

જનજનના બેલી એવા બાલમ સર્વોપરી શ્રીહરિને જ બિસ્તરમાં લઈને ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની અક્ષર-ફેરી આજે આલમભરમાં અધ્યાત્મની વસંત વેરતી ફરી રહી છે ને અમીપુંજની હેલી થઈને પરમ સેવા ને પર સેવા કાજે પરસેવા પાડવા પ્રેરી રહી છે.  શાસ્ત્રીજી મહારાજે વાવેલા આ બાપ્સ સંસ્થાના બીજને ઘરઘરમાં ને ઘટઘટમાં વટવૃક્ષવત્ ફેલાઈ વિશ્વભરમાં વિસ્તારનારા ગરવા ગુરુહરિની ગરિમાથી ગૌરવવંતુ થઈને દિલ  આમ થનગની ઉઠે છે..   

ભવોભવની રે અંતરિયે ભરી આરત બસ બાલમ બેલી
ભક્તિ જ્ઞાન ધરમ વિરાગને ધારી મોહ માયાને રે મેલી
સહજાનંદી સજીને સમજ પરમ કેરી પરખ કીધી સહેલી
ઘટ નિકુંજે વળી પ્રમુખજી પ્રેમે વરસ્યા થૈ હરિપુંજ હેલી

લઈ બિસ્તરે બાલમ અક્ષર-ફેરી ફરતી આલમ ઘેરી
રે વિસ્તરે આલમ સંતન્ ભેરી વાસંતી વાલમ ઘેલી

ગુણાતીતને પરખાવે શાસ્ત્રીજી જ્યહીં બાપ્સબી વેરી
ઘટઘટમાં પધરાવે હરજી પ્રમુખજી વટવૃક્ષવત્ ફેલી

કરી જીવનરણ વેરણ ને વિષય વાસના માયા વેરી
ઘરઘરમાં વિચરે સ્વામી બની દીનદુ:ખિયાના બેલી

પરસેવા પ્રેરી  એ પર સેવાના  દે  ભક્તિ  ભીડા ભેરી
અમ અંતર નિકુંજે વરસે અક્ષર  થઈ અમીપુંજ હેલી

પગલે પગલે દયા દુઆ એ પ્રગટાવે દઈ અક્ષરદેરી
કરી મંદિર મન દિલમાંહે ભવ ભવ કેરી ટાળે પહેલી

Published in: on January 19, 2008 at 12:32 am  Leave a Comment  

તારી ભગવી રે ઝોળીમાં

Joli Celebrations<br>Mumbai, India - 14 January 2011 -

મકરસંક્રાંતિના આજના શુભ દિન નિમિત્તે ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામીની ભગવી ઝોળીમાં ભવને દાન આપીને ને ગુણાતીત ગુરુના ગાન ગાઈને ઉત્તરાયણની ઉજવણી કરવાના જ્યારે દિલમાં અરમાન જાગ્યાં છે ત્યારે ઐહિકતા ને રાગરંગથી રંગાયેલું એજ દિલ ગુરુવર અક્ષરને ભવ દાન આપતાં આપતાં જ એમની પાસે પ્યારી મધુરી સર્વોપરી શ્રીહરિની મૂર્તિ શા ભગવાન મેળવવા માટે આ રીતે વરદાન માંગી બસે છે…

તારી ભગવી રે ઝોળીમાં ભવ દાન દેવાનાં જાગ્યા અરમાન
ગુણાતીત તારા બસ ગાવાં છે ગાન
કે ભગવા માંહે મેં ભાળ્યા ભગવાન.. તારી ભગવી રે..

ભવ ભવથી ભટકેલા પથિકને હાથ રે આવ્યાં મંઝિલ મુકામ
જીવનની હોડીનું તને સોંપવું સુકાન
કે ડૂબવું મારે નવ માયાને મઝધાર.. તારી ભગવી રે..

ઐહિક ખજૂર માગતા મજૂરને ભગ આણ્યાં શાશ્વત સુખધામ
મોહ મિરાજ અને રણ છોડવું વેરાન
કે હેરાન નવ થાવું કાયા કેરી દુકાન.. તારી ભગવી રે..

દેહ મહેલના રંગરાગમાં મન દિલને મારાં કરવા છે મહેમાન
અહંને નાથવા નાથ થાજે યજમાન
કે તવ છત્રછાયે તરી તજવું ગુમાન.. તારી ભગવી રે..

પ્યારી મધુરી મૂર્તિમાં રહેવાને ગુલતાન દિલ માગે વરદાન
ગુણાતીત ગુરુ હું ના ભુલું ભગવાન
ને સદ્ વર્તને કરું હરિવરનું સન્માન.. તારી ભગવી રે..

Published in: on January 14, 2008 at 7:00 am  Leave a Comment  

કરજો ભવાટવી પાર

કરજો ભવાટવી પાર

 

મોહના મૃગલા ભણી ભવોભવ ભાગી ભાગીને અંતે ચોરાશીનો શિકાર થતું આવેલું દિલ  જગભરમાં અવિરત વિચરતા મોક્ષના દ્વાર સમા એકાંતિક સંત એવા ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને ભવાટવી પાર કરાવવા ને સૂકાભઠ જીવતરના રણમાં વાસંતી ફોરમની વણઝાર થઈ વહેવા આમ આજીજી કરે છે…       

અમે મોહમૃગ ભણી ભાગી થતા ચોરાશીનો શિકાર
વિચરતા તમે થૈ મોક્ષનું દ્વાર કરજો ભવાટવી પાર

અમે સ્વારથી સૂકાભઠ રહેતા વહી માયા મઝધાર
તમે વ્હેજો ભવરણમાં થઈ વાસંતી ફોરમ વણઝાર

ગણી ગુણ ગણિત શેષ લભતા સુખ શૂન્ય સુનકાર
ગુણાતીત તમો ઘૂંટવજો હરિવર શાશ્વત સુખભંડાર

અહંકારી અમે મનડે ભરતા વિષય વાસના વિકાર
હંકારજો હેતે અમ હોડી પૂરી કર્તા-હર્તા હરિ વિચાર

અહોનિશ અમે ભોગભોમ ભટકી ના ઠરતા પળવાર
પ્રમુખ છો પ્રભુધામ સાકાર વસજો દિલ  થૈ ધબકાર

Published in: on January 14, 2008 at 6:46 am  Leave a Comment  

ચાહ ચરમ પરમ દેજો

ચાહ ચરમ પરમ દેજો

 

સહજાનંદી શાશ્વત સુખ કાજે  વિષય વાસના ને વિકારી વિચારો વિસારી દેતું દિલ ગુરુવર અક્ષરને અંતરના આંગણિયે પધારવા પ્રાર્થના કરે છે. વળી મહારાજનો મહિમા મઠારીને મનની કામ આગ ઠારી છે છતાં પણ અશાંતિનો અનુભવ કરતું દિલ  ગુણાતીત ગુરુહરિ પ્રમુખ સ્વામી પાસે હૈયામાં હરિવર શો હિમાલય ઉતારવા આમ વિનંતી કરે છે. …  

વિષય વાસના વિસારી  તજ્યા  છે વિચારો વિકારી
સહજાનંદી સુખડાં રેલાવો અક્ષર આંગણિયે પધારી

ઉપાસના આજ્ઞા ઉર ધારી છોડ્યા સ્વભાવ અહંકારી
ભજન ભક્તિભાવના ભરજો હરિવર રુદિયે પધરાવી

મહારાજ મહિમા મઠારી મનની કામ આગ છે ઠારી
આનંદ અલૌકિક આપજો હિમાલય અંતરિયે ઉતારી

મમત માયા મોહને રે મારી કાઢી મસમોટી બિમારી
ભવ ભવની ભ્રમણા ભાંગજો લખચોરાશીથી ઉગારી

સેવા સત્ સાઘના સ્વીકારી કરું હું કાજ પર ઉપકારી
ચાહ ચરમ પરમ દેજો મન દિલ મંદિરથી શણગારી

Published in: on January 14, 2008 at 6:43 am  Leave a Comment